Pavagadh no Itihash | પાવાગઢ નો ઈતિહાસ

 પાવાગઢ કેટલા વર્ષ પ્રાચીન તીર્થ છે? તેનો મહિમા શું છે? આપશ્રીએ આજ સુધી ન જાણી હોય તેવી પાવાગઢની અનોખી કથા.ભાગ 1.🌷

🌷અત્યારે પાવાગઢ પર્વત પર જિનપ્રતિમા ખંડનને લઇને સમગ્ર જૈન સમાજ તથા સનાતન ધર્મમાં ભારોભાર આક્રોશ છે! 

પણ મોટાભાગનાને પાવાગઢનો ઇતિહાસ ખબર નથી! 

તો ચાલો જાણીએ તે ઇતિહાસને. 

🌷પાવાગઢ એક પ્રાચીન પર્વત છે. તેની ઉપરથી અનેક આત્માઓ મોક્ષે પધાર્યા છે. રામચંદ્રજીના પુત્ર લવ અને કુશે તપસ્યા કરીને શાશ્વત સુખને‌ અહીંથી પ્રાપ્ત કર્યું છે,એવી દિગંબર માન્યતા પણ છે. 

આ હિસાબે પાવાગઢ તીર્થ 20 મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી અને શ્રી રામચંદ્રજીના સમયનું સાબિત થાય છે!

🌷અને એટલે જ આ પર્વત ઉપર અતિ પ્રાચીન કાળે પણ જિન મંદિરો હતા જ. 

તેના પુરાવો આ રહ્યો. 

ઈસ્વીસન 140 માં એટલે કે આજથી 1884 વર્ષ પહેલા ગ્રીસ દેશના પ્રખ્યાત ભુગોળ વેત્તા ટોલેમીએ ભારત પ્રવાસ શોધમાં જણાવ્યું છે કે,પાવાગઢ એ અતિ પ્રાચીન અને પવિત્ર જૈન તીર્થ છે!

હવે 1884 વર્ષ પહેલાં પણ અતિ પ્રાચીન તીર્થ એવું ટોલેમી કહે છે! 

એટલે આ તીર્થની  પ્રાચીનતા બાબતમાં કોઈ શંકા નથી! 

🌷પાવાગઢ પર્વત ઉપર પ્રાચીન કાળમાં કિલ્લો પણ હતો, સમ્રાટ અશોકના વંશજ એવા રાજા ગંગા સિંહે ઇસવીસન 800 ની સાલમાં આ કિલ્લાને સુધરાવેલ તથા પર્વત ઉપર રહેલા જિનાલયનો જિર્ણોદ્ધાર કરાવેલ. 

🌷પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નગર વસેલું છે.તે નગર જૈન મંત્રી ચાંપા બાણાવળીના નામથી વનરાજ ચાવડાએ વસાવ્યું છે! ચાલો પહેલાં તે ઇતિહાસ જાણીએ!

🌷વિક્રમની આઠમી સદીના પુર્વાર્ધમાં પંચાસરમાં જયશિખરી ચાવડા નામે રાજા હતા. તેમને કનોજના રાજા ભુવડે યુદ્ધમાં મારી નાખ્યા.તેમના રાણી રૂપસુંદરી ગર્ભવતી હતા.તેઓ તેમના ભાઈ સુરપાળ સાથે જંગલમાં ચાલ્યા ગયા.ત્યાં છુપાઈને રહ્યા.વિક્રમ સંવત 752 વૈશાખ સુદ પૂનમના દિવસે રૂપસુંદરીએ એક બાળકનો જન્મ આપ્યો,અને તેનું નામ વનરાજ રાખ્યું. 

જંગલમાં ઝાડ નીચે એક ઝોળીમાં સુતેલા આ દીકરાને 

 જૈનાચાર્યશ્રી શીલગુણસુરીજીએ નિહાળ્યો.તેના લક્ષણો જોઇને આ બાળક પ્રતાપી પુરુષ થશે તેવું સૂરીજીએ જાણ્યું.તેમણે કહ્યું કે, તમે પંચાસર ના ઉપાશ્રયમાં આવીને રહો.કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે! જૈન શ્રાવકોને તેમના રક્ષણનું કાર્ય સોંપ્યું! શ્રી શીલગુણ સુરીજી તથા શ્રી દેવચંદ્ર સુરીજી તથા જૈનોની દષ્ટિ હેઠળ 

વનરાજ ચાવડા ઉપાશ્રયમાં મોટા થયા.તે યૌવન વયમાં આવ્યા એટલે જૈનાચાર્યે તેમના મામા સુરપાળને સોંપ્યા.સુરપાળે વનરાજને યુધ્ધકળા શીખવી.વનરાજ ચાવડા, તેમના મામા સુરપાળ અને અણહિલ ભરવાડનો ભેટો જંગલમાં ઉંટ ઉપર બેસીને જઈ રહેલા ચાંપા વાણિયાથી થયો. પિતાનું રાજ્ય પાછું મેળવવા સૈન્ય ઉભું કરવા પૈસાની જરૂર હતી.

સુરપાળે ચાંપાને કહ્યું કે,તમારી પાસે જે હોય તે આપી દો.

ત્યારે ચાંપાએ કહ્યું કે,જો તમે દાનમાં માગતા હો તો બધું આપવા તૈયાર છું, બાકી મને ડરાવીને તમે લઈ નહીં શકો!

વનરાજ ચાવડાએ કહ્યું કે,અમે ક્ષત્રિય છીએ,દાન નથી લેતા, લડીને લઈએ છીએ! 

એ વખતે ચાંપા શ્રાવક અચાનક ઉંટ ઉપરથી કુદકો મારીને નીચે ઉતર્યા! 

વનરાજે એનું કારણ પુછતાં ચાંપાએ કહ્યું કે, તમે નીચે ઉભા છો, અને હું ઊંટ ઉપર બેઠો છું!

આ રીતે લડાઈ કરીએ તો એ અધર્મ યુધ્ધ કહેવાય!

આ સાંભળીને વનરાજ ચાવડા અભિભૂત બની ગયા!

અચાનક ચાંપા વાણીયાએ તેમના ભાથામાં રહેલા પાંચ તીરમાંથી બે તીર તોડી નાખ્યા! વનરાજ ચાવડાએ આનું કારણ પૂછ્યું, તો ચાંપાએ કહ્યું કે, બાકી રહેલા ત્રણ તીર વડે હું તમને ત્રણેય જણને પરલોકે પહોંચાડી દઈશ! એવો મારો પાકો વિશ્વાસ છે! કારણકે હું અચૂક નિશાનેબાજ છું!

એક વાણિયાની આવી બહાદુરી ભરી વાત સાંભળીને વનરાજ ચાવડા આભા બની ગયા! સુરપાલે કહ્યું કે,જો તમે અચૂક નિશાન બાજ છો,તો આકાશમાં ઉડતા પક્ષીને પાડી બતાવો! 

ત્યારે ચાંપાએ કહ્યું કે, તે નિર્દોષ છે! હું શા માટે તેની હત્યા કરું? ધર્મ રક્ષા અર્થે અથવા મને કોઈ મારવા આવે તેના ઉપર જ હથીયાર ચલાવવા તેવો મારો સિદ્ધાંત છે!

🌷અને તેમણે કહ્યું કે,તમે બરાબર ઊભા રહો! અને મારું તીર તમારા કાનમાં પહેરેલ દાગીનો લેતું જશે! અને તેણે તીર માર્યું અને કાનમાં લટકેલો દાગીનો લઈને તીર ચાલ્યું ગયું,અને કાનને ઘસરકો પણ ન લાગ્યો!

પછી તો વનરાજ ચાવડાએ તેમનાથી મિત્રતા કરી. અણહીલ ભરવાડ  જૈન શ્રાવક એવા ચાંપા બાણાવળી વિગેરેને સાથે રાખીને લડાઈ કરી,અને પિતાનું રાજ્ય પાછું મેળવ્યું.અને વિક્રમ સવંત 802 માં ગુજરાત રાજ્યની સ્થાપના કરી.વનરાજ ચાવડાના માતૃશ્રી પણ જૈન હતા.વળી વનરાજ ચાવડાના અન્ય મદદગારો શ્રીદેવી, જાંબ શ્રીમાળી,નીના પોરવાડ,આશક મોઢ વિગેરે જૈન હતા.

વનરાજ ચાવડાએ જૈનોના સહયોગથી ગુજરાત રાજ્યની સ્થાપના કરી છે.

એટલે તો પ્રબંધ ચિંતામણી માં કહ્યું છે કે,

गौर्जरात्रमिदं राज्यं,वनराजत् प्रभुत्यभुत् ।

स्थापितं जैन मन्त्राधैः,तद्वेषी नैव नन्दति।


અર્થાત્ ગુજરાત રાજ્ય જૈન મંત્રીઓની મદદથી વનરાજ ચાવડાએ સ્થાપ્યું છે,જૈનોની ઇર્ષા કરનાર અહીં સમૃદ્ધ થતો નથી!


🌷 વનરાજ ચાવડાએ ચાંપાને મંત્રી તરીકે નિમ્યા, અને તેમના નામ ઉપરથી પાવાગઢ પર્વતની તળેટીમાં ચાંપાનેર નામે નગર વસાવ્યું.એટલું જ નહીં પણ પાવાગઢ ઉપર કિલ્લો બંધાવ્યો,અને જૈન દેરાસર પણ બનાવ્યું!

🌷આજે પાવાગઢ પર જે થઇ રહ્યું છે તે દુઃખદ છે. ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી જૈનોનો શું સહયોગ છે?

તે વિષયે મહાકવિ શ્રી નાનાલાલ શું જણાવે છે તે જાણીએ.

પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું, તેમને શ્રી શીલગુણ સુરિનો આશ્રય મુખ્ય હતો. જો તેમ ન થયું હોત તો પાટણ તથા સોલંકી રાજ્ય હોત જ નહીં! એટલું જ નહીં પણ, ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી પાટણ રહ્યું તે પણ જૈનોને જ આભારી છે. કેમકે, પાટણમાં રહીને જૈનોએ શું કર્યું તે માટે સાત સૈકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે!

🌷 ઇતિહાસ પ્રેમી વાંચક શ્રી! 

વનરાજ ચાવડાને બચપણમાં સુરક્ષા આપીને  જૈનાચાર્ય શ્રી શીલગુણસુરીજીએ સુરક્ષા સાથે મોટા કરેલા,અને તે કારણે જ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલ!

આજે એ જ ગુજરાતમાં, મંદિરોની સુરક્ષાના બદલે,મંદિર, પ્રતિમા, શ્રધ્ધા,લાગણી વિગેરે તોડાઈ રહ્યા છે!તે વિધિની વક્રતા જાણવી!

🌷જોકે વનરાજ ચાવડાની શુરવીરતાનો વારસો આજે પણ ક્ષત્રિયોમાં છે!

અને એટલે જ ક્ષત્રિયો અને તેમની સંસ્થા કરણીસેના જૈનોની સાથે છે! તેમણે પણ આવેદનપત્ર આપ્યું છે.

🌷ખેર!

આપણે હજુ પાવાગઢનો ઇતિહાસ જાણવાનો બાકી છે!

પાવાગઢ ઉપર કયા દેરાસરો કઈ સાલમાં બન્યા? કોણે બનાવ્યા? તેની પ્રતિષ્ઠા કોણે કરી? 

મહાકાળી માતાજીના મંદિરનો શું ઈતિહાસ છે? 

પતાઇ રાવલ અને મહંમદ બેગડાનો શું ઇતિહાસ છે?

તે આપણે 

પાવાગઢની અનોખી કથા ભાગ 2 માં જાણશુ!

🌷 સજ્જનો! જો  આ ઇતિહાસ કથા આપને ગમી હોય તો એક લાઇક જરૂર કરજો!

આપની એક લાઈક આપણા ગૌરવવંતા ગુમનામ ઇતિહાસ જાણવામાં આપને કેટલી રુચિ છે તે બતાવશે, સાથે સાથે આ ઇતિહાસ લેખનનો ઉત્સાહ બેવડાશે.

🌷પ્રાચીન તીર્થોની પવિત્રતા જળવાય,

સત્તાધીશો સુખદ નિરાકરણ આપે

તે જ અનોખી શુભ ભાવના.🙏


          પ્રભુ વીર નો પંથ 🌷