ઘણા જૂના સમયની આ વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતા પણ પુત્રી એક પણ ન હતી. તેણે ઘણી માનતાઓ અને બાધાઓ રાખી. આખરે આ બધું તેને ફળ્યું. એક પુત્રીનો તેના ઘરે જન્મ થયો. તેનું નામ લક્ષ્મણા રાખ્યું. ખૂબ જ લાલન-પાલનથી તેનું બાળપણ પૂરું થયું અને તે યુવાન થઈ.
લક્ષ્મણા યુવાન થતાં રાજાએ તેના માટે સ્વયંવર રચ્યો. સ્વયંવર મંડપમાં લક્ષ્મણા વરમાળા લઈ ફરતી ગઈ, અને એક ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. રાજાએ લગ્નમહોત્સવ કર્યો. લગ્નની વિધિ થઈ. વર કન્યા ચોરીમાં મંગળ ફેરા ફરી રહ્યાં, ત્યાં જ અચાનક વરનું મૃત્યુ થયું. લક્ષ્મણા તો અવાક થઈ ગઈ. તેને ખૂબ જ આઘાત લાગ્યો. “આવો-સંસાર!” એમ વિચારતાં તેનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું.
દઢ શ્રદ્ધાથી તે શ્રાવિકાધર્મ પાળવા લાગી અને છેવટે તેણે તે ચોવીસીના છેલ્લા તિર્થંકર પાસે દીક્ષા લીધી, અને ઘણી જ સારી રીતે દીક્ષા પાળતાં હતાં. પણ એક દિવસ એક ખૂણે ઊભેલાં ત્યાં તેમણે એક ચકલા-ચકલીને પ્રેમ કરતા જોયાં. એ દૃશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઊઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઊઠી. અત્યંત કામાતુર વિચારમાં તેમણે વિચાર્યું,
અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શો દોષ? ભગવાન તો અવેદી છે. આથી સવેદીજનની પીડાઓની તેમને શું ખબર પડે?”.
આ પ્રશ્ન આંખના એક પલકારાની જેમ જ ઉદ્બ ભવ્યો. તરત જ બીજી પળે પોતે સાવધાન થઈ ગયાં પોતાની કુવિચારધારાથી ચમકી ઊઠ્યાં. પસ્તાવો કરવા લાગ્યાં. અરેરે! મેં ખૂબ જ ખોટો વિચાર કર્યો. ન વિચારવાનું વિચાર્યું મારાથી આ એક મહાપાપ થઈ ગયું. મારે તેની આલોયણા કરવી જોઈએ.
પણ મને આવો કામી વિચાર આવ્યો તે તો હું કહી શકું તેમ નથી અને ન કહું તો શલ્ય રહી જાય છે. અને એ શલ્ય રહી જાય તો હું શુદ્ધ તો થઈશ નહિ. કામની કામના વિનાના ઘણા વિચારને અંતે તે ગુરુ પાસે આલોયણા લેવા નીકળ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં પગમાં કાંટો વાગ્યો. એ અપશુકનથી સાચી વાત ગુરુને કહી દેવા તૈયાર થયેલું મન પાછું પડ્યું....
છેવટે તેમણે બીજાનું નામ દઈને પૂછવું, “ગુરુદેવ! જે આવું દૂરધ્યાન કરે તેને શું પ્રાયશ્ચિત્ત આવે?
ગુરુજીએ સ્પષ્ટતા કરવા કહ્યું પણ તે ન કરી શક્યાં. ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત જાણી લીધું. તે પ્રમાણે તેમણે પચાસ વરસ સુધી નીચે પ્રમાણે તપ કર્યો.
છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી દસ વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. બે વર્ષ માત્ર નિર્લેપ ચણાનો આહાર લીધો. બે વર્ષ ફક્ત ભૂજેલા ચણાનો આહાર લીધો, સોળ વર્ષ માસ ક્ષમણ કર્યા અને વીસ વર્ષ આયંબીલ તપ કર્યું. આમ, લક્ષ્મણા સાધ્વીજીએ ઉગ્ર તપ કર્યું પણ હૈયે શલ્ય રાખી આ તપ કર્યું હતું તેથી તેમનો આત્મા વિશુદ્ધ ન થયો, અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યા, અને અનેક ભવો કરતાં કરતાં આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં મુક્તિને પામશે.
જૈન શાસનના ચમકતા સિતારા