વિમલગિરિ જાત્રા નવ્વાણું કરીયે


➖➖➖➖➖➖➖➖➖

આજે ફાગણ સુદ આઠમનો મહાન પવિત્ર દિવસ છે..

આજના દિવસે પહેલા તીર્થંકર પ્રભુ શ્રી આદિનાથ ઘેટીના પગલાથી નવાણું પૂર્વના જેટલા વરસ થાય, તેટલીવાર ઉપર રાયણવૃક્ષ તલે પધાર્યા હતા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી હતી. પ્રભુએ અમૃત વરસી દેશના આપી હતી. અનેક ભવ્ય જીવોએ એ ઉત્તમ દેશના શ્રવણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

ચોરાશી લાખ વરસનું એક પૂર્વાંગ થાય...  ચોરાશી લાખ પૂર્વાંગનું એક પૂર્વ થાય...એના એક પૂર્વમાં ૭૦,૫૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦ (સીત્તેર લાખ અને છપન્ન હજાર કરોડ) વરસ થાય, એને નવાણુંથી ગુણીયે એટલી વાર પ્રભુજી શ્રી સિદ્ધગિરિરાજ ઉપર પધાર્યા હતા.

જિહા ઓગણોત્તેર કોડાકોડી,

તિમ પંચાસી લાખ વલી કોડી,

ચુમાલીશ સહસ કોડી,

સમોસર્યા જિહાં એતીવાર,

પૂર્વ નવાણું એમ પ્રકાર,

નાભિનરિંદ મલ્હાર...

૬૯,૮૫,૪૪,૦૦,૦૦,૦૦,૦૦,૦૦ એટલી વાર પ્રભુજી પધાર્યા, પ્રભુજીની એ યાત્રાની સ્મૃતિ નિમિત્તે ભાવિક જીવો, ‘૬’ રી પાલતા નવાણું યાત્રા કરે છે.

નવાણું યાત્રામાં રોજ એક જ વાર ચાલીને ઉઘાડા પગે અને માથે જયણા પૂર્વક યાત્રા પાંચ ચૈત્યવંદન પૂર્વક કરવાની હોય છે.

૧.તલેટીએ ૨.શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરે ૩.રાયણ પગલા પાસે ૪.શ્રી પુંડરીકસ્વામી સામે ૫.મૂળનાયક પાસે... આ પાંચ ચૈત્યવંદન અવશ્ય કરવા જોઈએ..

વૈરાગ્ય, જયણા, સમતા, સમાધિ, સંવર વધારતા રહે, તેમની યાત્રા સફળ થાય.

૧. એકાહારી ૨. પાદચારી ૩. ભૂમિસંથારી ૪. બ્રહ્મચારી ૫. સચિત્ત- પરિહારી  ૬. શુદ્ધ સમકિતધારી આ ‘૬ ’રી બરાબર પાલતા નવાણું યાત્રા કરે તેમનું જીવન સફળ થાય...

આ ભવમાં ખૂબ શાંતિ રહે..મરતા જરાય ચિંતા કે અસમાધિ ન રહે..આર્તધ્યાનના ત્રેસઠ ભેદમાંથી એકે ન રહે...આવતા ભવે વૈમાનિક થાય..ત્રીજા ભવે, આર્યમાનવ થાય..નાની ઉંમરમાં દીક્ષા લે...કેવલજ્ઞાન પામે....હજારો લાખોને ધર્મ પમાડે...પછી બધા કર્મ ખપાવીને મોક્ષના શાશ્વતા સુખ અનુભવે...🙏

પૂ.આ.ભ.શ્રી વિજય માનતુંગસૂરિ સાહિત્ય સંગ્રહને આધારે..